AMC website down: અમદાવાદમાં સસ્તામાં ઘરનું ઘર શોધી રહેલા મધ્યમ અને ગરીબ વર્ગના લોકો માટે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત EWS કેટેગરીના આવાસો (EWS Awas Yojana Ahmedabad) માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે. ફોર્મ ભરવા માટે અરજદારે https://ewsapplicationform.ahmedabadcity.gov.in/ વેબસાઈટ પર જઈને પોતાની તમામ માહિતી ભરવાની રહેશે. ફોર્મ ભરવાની આ પ્રક્રિયા 13 મે 2024 સુધી ચાલશે.એવામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટ www.ahmedabadcity.gov.in ટેકનિકલ મેન્ટેનન્સ કરવાની કામગીરી ચાલી રહી છે. ટેક્નિકલ મેન્ટેનન્સના કારણે આવતીકાલ 21 માર્ચ ગુરુવારથી 24 માર્ચ રવિવાર સુધી વેબસાઈટ ડાઉન રહેશે.
આવાસ યોજનાના ઓનલાઇન ફોર્મ્સ જમા કરવામાં પડશે મુશ્કેલી
AMC દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત હાઉસિંગ એપ્લિકેશન ફોર્મ્સ જમા કરવા તેમજ હાલમાં ચાલી રહેલી રિક્રુટમેન્ટ બાબતે ઓનલાઇન ફોર્મ્સ જમા કરવામાં નાગરિકોને મુશ્કેલીનો સામનો કરવો પડશે. ઈ-ગવર્નન્સ વિભાગના જણાવ્યા મુજબ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટ ડાઉન રહેવાના પગલે અનુસંધાને ફોર્મ્સ જમા કરવાની આખરી તારીખની મુદત પણ વધારવામાં આવી શકે છે.
કોણ કરી શકે મકાન માટે અરજી?
આર્થિક રીતે નબળા અને વાર્ષિક 3 લાખથી ઓછી આવક ધરાવતા કુંટુંબ માટે EWS-2 આવાસ યોજનાની જાહેરાત કરવામાં આવી છે. શહેરના નરોડા મુઠીયા, હંસપુરા અને ગોતા વિસ્તારમાં 1055 આવાસો બનાવાશે. લાભાર્થીઓની પસંદગી કોમ્પ્યુટરાઈઝ ડ્રો પદ્ધતિથી કરવામાં આવશે.
આવાસ યોજનાનું ફોર્મ ભરવા માટે જરૂરી દસ્તાવેજો
- અરજદારનો ફોટો
- અરજદારનું આધારકાર્ડ તથા ઘરના તમામ સભ્યોનું આધારકાર્ડ
- આવકનો દાખલો
- અરજદારની બેન્ક કેન્સલ ચેક
- ઓળખ પુરાવો
- રહેઠાણનો પુરાવો (લાઈટબીલ/રેશનકાર્ડ/ભાડા કરાર)માંથી કોઈ એક
- અરજદારનો જાતિનો દાખલો (SC/ST/OBC વર્ગ માટે)
- BPL કાર્ડની કોપિ
- સોગંદનામું (સેલ્ફ ડિક્લેરેશન)
કેટલી હશે મકાનની કિંમત?
EWS-2 કેટેગરીના આ મકાનો માટે 15 માર્ચ 2024થી 13 મે 2024 સુધી ફોર્મ ભરી શકાશે. ફોર્મ ભરવા માટે અરજદારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટ www.ahmedabadcity.gov.in પર ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. મકાનની કિંમત 5,50,000 રૂપિયા રહેશે અને મેઈન્ટેનન્સની રકમ રૂ.50,000 એમ લાભાર્થીએ કુલ 6 લાખ રૂપિયા ભરવાના રહેશે. આ મકાન 35 ચો.મી.થી વધુ અને 40 ચો.મીથી ઓછા કાર્પેટ એરિયા ધરાવતા હશે.